Friday, 14 December 2012
પંડિત રવિશંકર...સિતાર વાદનનો સિતારો આથમી gayo
ભારતીય સંગીતના વૈશ્વિક ગોડફાધર
પંડિત રવિશંકરની ખ્યાતિ જેમ જેમ દેશવિદેશમાં વધતી ગઈ તેમ તેમ તેમની સિતારના સૂરનો સિતારો વધુને વધુ ચમકતો ગયો હતો. પંડિત રવિશંકર ભારતીય સંગીતના વૈશ્વિક દૂત બની રહ્યા હતા, પછી તો લોકો તેમને વિશ્વસંગીતના ગોડફાધર ગણવા લાગ્યાં હતાં. ગંગાની લહેરોની સાથે તેમની સિતારના સૂર સરહદના સીમાડાઓ ઓળંગી ગયા હતા. તેમની સિતારની સુરાવલીઓએ પશ્ચિમના દેશોનાં લોકહૈયામાં સિતારનું ઘેલું લગાડયું હતું. ભારતીય શાસ્ત્રીય સંગીત અને ભારતીય રાગનું વૈવિધ્ય લોકોના કર્ણપટલ પર તેમણે ગૂંજતું કર્યું હતું. બિટલ્સના જ્યોર્જ હેરિસન તેમજ યેહુદી મેનુહિન તેમનાં કલાકૌશલ્યથી પાગલ બની ગયા હતા.
પંડિત રવિશંકરને ૧૯૬૦માં હિપ્પી સંસ્કૃતિનું ઘેલું લાગ્યું હતું, તે પછી તેમણે માથા પરના વાળ હિપ્પી જેવા રાખવાનું પસંદ કર્યું હતું. પંડિતજીએ સાત વર્ષ સુધી ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન પાસે સંગીતની તાલીમ લીધી હતી અને ગંભીર, મન્દ્ર તેમજ ષડ્જ અવાજના સૂરો સિતાર પર રેલાવીને તેઓ વિખ્યાત બન્યા હતા. પંડિતજીએ તેમના ભાઈ ઉદયશંકર સાથે એક ડાન્સર તરીકે તેમની કરિયર શરૃ કરી હતી પણ તેમાં ખાસ રુચિ નહીં રહેતાં ૧૯૩૮માં તેમણે સિતારના તાર સાથે તાલમેલ સાધ્યું, ૧૯૪૫માં તેમણે પહેલાં શુદ્ધ ભારતીય રાગનું કમ્પોઝ કર્યું હતું. વેસ્ટર્ન મ્યુઝિક, જાઝ તેમજ અન્ય રાગ પણ તેમની પહેલી પસંદ હતા. રશિયા, જાપાન અને નોર્થ અમેરિકામાં તેમણે અનેક કાર્યક્રમો આપ્યા હતા. ૧૯૭૦માં તેઓ બિટલ્સના હેરિસન સાથે જોડાયા અને પછી આંતરરાષ્ટ્રીય ્સ્તરે તેમની ખ્યાતિએ કદી પાછું વાળીને જોયું નથી. પંડિતજીની સિતાર અને તેમનો સિતારો હંમેશાં બુલંદ જ બનતો ગયો હતો. તેઓ એક ઊંચા ગજાના ભારતીય શાસ્ત્રીય સંગીતજ્ઞા હતા. ભારતીય સંગીત અને ભારતીય સંસ્કૃતિની ધ્વજાપતાકા તેમણે વિશ્વમાં લહેરાવી હતી અને ભારતીય સંગીતને મુઠ્ઠી ઊંચેરૃં સન્માન અપાવ્યું હતું. પંડિત રવિશંકરે ભારતીય, કેનેડા, યુરોપ અને અમેરિકાની ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. સિતારના સૂરોની 'રાગ માલ' નિરંતર ચાલતી રહે તે માટે તેઓ સદાય તત્પર રહેતા.
શસ્ત્રક્રિયા બાદ રવિશંકરનાં શરીરે સાથ આપ્યો નહીં
સાનડિયાગો : પ્રખ્યાત સિતારવાદક પંડિત રવિશંકર છેલ્લાં કેટલાંક વર્ષોથી શ્વાસ અને હૃદયની બીમારીથી પીડાતા હતા. ગયા ગુરુવારે તેમના પર હૃદયનો વાલ્વ બદલવાની સર્જરી હાથ ધરાઇ હતી. આ સર્જરી સફળ રહી હતી પરંતુ રિકવરી ખૂબ જ ધીમી ગતિએ થઈ રહી હતી. પંડિત રવિશંકર ઉપર છેલ્લે એક શસ્ત્રક્રિયા પણ કરાઇ હતી. રવિશંકરના પરિવારજનોએ બુધવારે જણાવ્યું હતું કે, આ શસ્ત્રક્રિયાની પીડા તેમનું શરીર સહન કરી શક્યું નહોતું. રવિશંકરનાં પત્ની સુકન્યાશંકર અને પુત્રી અનુષ્કાએ જણાવ્યું હતું કે, જ્યારે તેમનું મૃત્યુ નીપજ્યું ત્યારે અમે પડખે જ ઊભાં હતાં. અમને ખબર છે કે રવિશંકરનાં મૃત્યુનાં કારણે તમે પણ અમારા જેટલી જ પીડા અનુભવો છો. આ દુઃખના સમયમાં તમારી પ્રાર્થના માટે અમે તમારા આભારી છીએ. આપણાં બધાં માટે આ એક એવો સમય છે કે તેમણે સમગ્ર જીવન દરમિયાન જે કંઇ પણ આપ્યું છે તે માટે તેમનો આભાર માનીને તે માટે કૃતજ્ઞાતા વ્યક્ત કરવામાં આવે. સંગીત સાથે જોડાયેલો તેમનો આત્મા અને તેમની ભવ્યતા હંમેશાં સંગીતચાહકોનાં હૃદયમાં તેમનાં સંગીત થકી જીવંત રહેશે.
રવિશંકરનું પારિવારિક જીવન
પંડિત રવિશંકરનો જન્મ બંગાળી પરિવારમાં હિંદુઓની પવિત્ર નગરી વારાણસીમાં થયો હતો. ખૂબ નાની ઉંમરે તેમણે પોતાની કારકિર્દીની શરૃઆત કરી દીધી હતી. તેમણે પોતાના ભાઈ ઉદયની સાથે નાટયમંડળીમાં યુરોપનો પ્રવાસ પણ કર્યો હતો પરંતુ ૧૯૩૦માં ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાન પાસે સિતાર શીખવા માટે ભારત પરત ફર્યા હતા. રવિશંકરને સૌ પ્રથમ ૧૯૪૧માં અલ્લાઉદ્દીનખાનની પુત્રી અન્નપૂર્ણાદેવી સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નજીવન થકી ૧૯૪૧માં શુભેન્દ્ર નામના પુત્રનો જન્મ થયો હતો. બાદમાં તેમનું વૈવાહિક જીવન ભાંગી પડયું હતું. શુભેન્દ્ર પણ સિતાર વગાડતા હતા, જેમનું મૃત્યુ ૧૯૯૨માં થયું હતું. પંડિત રવિશંકરને ન્યૂયોર્કની કોન્સર્ટ પ્રોડયુસર શુ જોન્સ સાથે પણ પ્રેમસંબંધો હતા, આ સંબંધોથી ૧૯૭૯માં નોરાહ જોન્સનો જન્મ થયો હતો. નોરાહ જોન્સે પણ પોપસંગીત ક્ષેત્રે ખૂબ જ નામના પ્રાપ્ત કરીને નવ જેટલા ગ્રેમી એવોર્ડ મેળવ્યા છે. પંડિત રવિશંકરની બીજી પત્ની સુકન્યા રાજન હતાં. સુકન્યા સાથેનાં લગ્નજીવન દરમિયાન ૧૯૮૧માં અનુષ્કાશંકરનો જન્મ થયો હતો. અનુષ્કા ૧૩ વર્ષની વયથી તેમની સાથે જ સિતાર વગાડતી હતી અને તેમની સાથે પ્રવાસ પણ કરતી હતી.
ઓક્સિજન માસ્ક પહેરીને અંતિમ શો કર્યો હતો
પ્રખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરે ગત ૪ નવેમ્બરે અમેરિકામાં લોંગ બીચ ખાતે આવેલા કેલિર્ફોિનયા સ્ટેટ યુનિર્વિસટીમાં પોતાનો અંતિમ જાહેર કાર્યક્રમ આપ્યો હતો. તે સમયે તેમને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હતી તેથી તેમણે ઓક્સિજન માસ્ક પહેરીને પણ પર્ફોર્મન્સ આપ્યું હતું. પંડિતજીએ પોતાની દીકરી સાથે મળીને યુનિર્વિસટી ખાતેનાં પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં પસંદગી પામેલા દર્શકો સામે પોતાનું અંતિમ પર્ફોર્મન્સ આપ્યું હતું. તેમને શ્વાસની બીમારી હોવા છતાં તેઓ કાર્યક્રમ કરવા માટે મનાઈ કરી શક્યા નહોતા તેથી તેમણે પર્ફોર્મન્સ માટે ઓક્સિજન માસ્કનો ઉપયોગ કરવો પડયો હતો. કેલિર્ફોિનયામાં યોજાયેલા આ કાર્યક્રમને તેમની શારીરિક અસ્વસ્થતાનાં કારણે ત્રણ વખત કેન્સલ કરવો પડયો હતો.
બિટલ્સ ફેઇમ જ્યોર્જ હેરિસન રવિશંકરના શિષ્ય હતા
પંડિત રવિશંકર ૧૯૬૬માં લંડનની ધ બિટલ્સના અગ્રણી સિતારવાદક જ્યોર્જ હેરિસનને મળ્યા હતા. હેરિસન પંડિત રવિશંકરથી પ્રભાવિત થઈને તેમની પાસેથી સિતાર શીખવા ભારત આવ્યા હતા. ધ બિટલ્સના 'નોર્વેજિયન વૂડે' પંડિત રવિશંકરને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારે ખ્યાતિ અપાવી હતી. ભારતની બહાર ઊજવાતા ભારતીય શાસ્ત્રીય સંગીતના ઉત્સવ ક્લિવલેન્ડ ત્યાગરાજ ફેસ્ટિવલના સ્થાપક અને રવિશંકરના પારિવારિક મિત્ર વીવી સુંદરમે જણાવ્યું હતું કે, તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતને ઉત્તર અમેરિકામાં લાવ્યા હતા. ધ બિટલ્સની સાથે જોડાણના કારણે વૈશ્વિક મંચ પર તેમણે સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. પંડિત રવિશંકર હંમેશાં નવી પ્રતિભાની શોધમાં રહેતા હતા અને તેમણે ઘણા ભારતીય શાસ્ત્રીય સંગીતકારોને પશ્ચિમમાં રજૂ કર્યા હતા.
રવિશંકરજીનો ફોન આવતાં આશ્ચર્ય થયું : અમિતાભ
કેટલાક દિવસ પહેલાં રવિશંકરજીએ અમિતાભ બચ્ચન સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ બાબતે બચ્ચને પોતાના બ્લોગમાં કેટલીક રસપ્રદ વાતો લખી હતી. તેમણે જણાવ્યું કે મને ખૂબ જ આશ્ચર્ય થયું જ્યારે મહાન સિતારવાદક રવિશંકરજીનાં ઘરેથી મારા ઘરે ફોન આવ્યો. તેમનાં પત્ની સુકન્યાજી મારી સાથે વાત કરવા ઇચ્છતાં હતાં અને તેમણે જણાવ્યું કે પંડિતજી પણ મારી સાથે વાત કરવા ઉત્સુક છે. બચ્ચને જણાવ્યું કે પંડિતજી સાથે તેમના સંબંધો ઘણા જૂના છે, જો કે ક્યારેય તેમણે મારી સાથે વાત કરવા માટે ફોન કર્યો નહોતો. મારા પિતાજી તેમના ખાસ મિત્ર હતા અને તેમના ભાઈ ઉદયશંકર સાથે અને તેમના પરિવારના કેટલાંક લોકો સાથે અમારે ઘણો સારો સંબંધ છે. ઘણાં વર્ષો પહેલાં મારા ભાઈના ઘરે તેઓ તેમની પત્ની સાથે આવ્યા હતા. ઉસ્તાદ અમજદઅલી ખાન, તબલાવાદક અલ્લારખા અને તેમની તિકડીને માણવી ખરેખર સુખદ અનુભવ હતો. તેમનો ફોન આવતાં જ તેમની સાથે જોડાયેલી તમામ યાદો પાછી તાજી થઈ ગઈ છે. બચ્ચને બ્લોગમાં પ્રાર્થના કરી હતી કે તેઓ ઝડપથી સાજા થઈ જાય પણ તેમને ક્યાં અંદાજ હતો કે આ પંડિતજીનો અંતિમ ફોન-કોલ હતો.
ટ્વીટર પર શ્રદ્ધાંજલિ
ટ્વીટર શોકની લાગણીથી ઊભરાયું
પં. રવિશંકરજીનાં અવસાન સાથે જ એક યુગ સમાપ્ત થયો છે. તેમની ઉદારતા, માનવતા અને કલાને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર દેશ મારી સાથે જોડાશે. તેઓ ભારતીય સાંસ્કૃતિક વારસાના ખજાના સમાન અને ગ્લોબલ એમ્બેસેડર હતા.
-મનમોહનસિંહ, વડાપ્રધાન
પંડિત રવિશંકરની છેલ્લી કોન્સર્ટ ખરેખર પીડાદાયક હતી, તેમ છતાં તેમણે અનુષ્કા સાથે સુંદર સાયુજ્ય સાધ્યું હતું. આ સંગીતમય જ્યોતિ વિલીન થઈ ગઈ.
-નિરુપમા રાવ, અમેરિકામાં ભારતીય રાજદૂત
પંડિત રવિશંકર ભારતીય સંગીતમાં લેજેન્ડ હતા. તેમણે શાસ્ત્રીય સંગીતને નવી ઊંચાઈ આપી હતી.
-શ્રી શ્રી રવિશંકર, આધ્યાત્મિક ગુરુ
સિતારવાદક પંડિત રવિશંકર લેજેન્ડરી સંગીતકાર હતા જેમણે ભારતીય ક્લાસિકલ સંગીતને નવી ઓળખ આપી હતી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
-નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ગુજરાત
તેઓ શ્રી કૃષ્ણના ભક્ત હતા અને અમારા માટે તો તે ભગવાન સમાન જ હતા. અમે તેમની સાથે આરામથી વાતચીત કરી શકતા હતા. એવો કોઈ કલાકાર નથી જેમણે તેમની જેમ ઝડપથી ભારતીય સંગીતને દુનિયામાં પ્રસરાવ્યું હોય. તેઓ એક પવિત્ર આત્મા હતા.
-લતા મંગેશકર
આજનો દિવસ તેમના જીવનનો સૌથી વધારે દુઃખદાયક દિવસ છે. હું તેમની ખૂબ જ નજીક રહ્યો છું. તેમણે એક પિતાની જેમ મારી કાળજી લીધી છે. તે એક એવા સંગીતકાર હતા જેમની સાથે દરેક કલાકાર કામ કરવા ઇચ્છતો હતો, તેઓ જિંદગી પ્રત્યે ખૂબ જ ઉત્સાહી હતા.
-પં. વિશ્વમોહન ભટ્ટ, ક્લાસિકલ સંગીતકાર
પંડિતજીનાં અવસાનથી સંગીતે પોતાનો રાજદૂત અને ભારતે પોતાનો ભારતરત્ન ગુમાવ્યો છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
-એ. આર. રહેમાન
પંડિત રવિશંકર સંગીતનો પર્યાય હતા, તે હવે હયાત રહ્યા નથી, તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે સિતારને માન અને દરજ્જો અપાવ્યા હતાં. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
-કૈલાશ ખેર
મારા પિતાએ તેમના હાથની સર્જરી કરી હતી. મિલિન્દ દેવરાએ પણ ટ્વીટ કર્યું હતું કે પંડિત રવિશંકર માત્ર સંગીતના ઉસ્તાદ હતા ત્યાંથી વાત અટકતી નથી. તેમણે ભારતની બ્રાન્ડને અન્યની સરખામણીમાં વધારે જાણીતી કરી હતી.
-હર કુંજરું, નવલકથાકાર
ઉંમર વધવાની સાથે રવિશંકરની સિતાર નાની થતી ગઈ
સંગીતકાર પંડિત રવિશંકરની વધતી ઉંમરની અસર તેમનાં સ્વાસ્થ્ય પર જોવા મળતી હતી, જેમ જેમ તેમની ઉંમર વધતી ગઈ તેમ તેમ તેમની સિતારનો આકાર નાનો અને તેનું વજન હલકું થતું ગયું હતું. રવિશંકરની તમામ સિતાર બનાવનારા સંજય શર્માએ જણાવ્યું હતું કે, વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય કથળવાથી તેમને સિતાર સંભાળવામાં તકલીફ પડી રહી હતી.
પંડિત રવિશંકરનો હિંદી સિનેમાજગત સાથે સંબંધ
પંડિત રવિશંકરનું ભારતીય ફિલ્મોમાં પણ ઘણું યોગદાન રહ્યું હતું. ૧૯૬૦માં તેમણે ફિલ્મ અનુરાધામાં સંગીત આપ્યું હતું. ઉપરાંત તેમણે સત્યજિત રેની ફિલ્મ 'પાથેર પાંચાલી'માં પણ મ્યુઝિક કંપોજ કર્યું હતું. તેમણે 'અપુર સંસાર'માં ટાઇટલ ટ્રેક કંપોઝ કર્યો હતો. રવીન્દ્રનાથ ટાગોરનાં જીવન પર બનાવાયેલી તપન સિંહાની શોર્ટ ફિલ્મ 'કાબુલીવાલા'માં પણ તેમણે મ્યુઝિક કંપોઝ કર્યું હતું. રવિશંકરે ધરતી કે લાલ અને નીચા નગર જેવી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું. મોહમ્મદ ઇકબાલની 'સારે જહાં સે અચ્છા' ટયૂન પણ રવિશંકરે બનાવી હતી. ૧૯૫૯ના વર્ષમાં જ્યારે દૂરદર્શનનું પ્રસારણ શરૃ કરવામાં આવતું ત્યારે સૌથી પહેલાં તેની એક સિગ્નેચર ટયૂન વગાડવામાં આવતી. આ ટયૂનને ઉસ્તાદ અહમદ હુસૈન અને પંડિત રવિશંકરે શહેનાઈ પર તૈયાર કરી હતી.
એવોર્ડ અને નાગરિક સન્માન
ભારત રત્ન ૧૯૯૯
પદ્મવિભૂષણ ૧૯૮૧
પદ્મભૂષણ ૧૯૬૭
ત્રણ વખત ગ્રેમી એવોર્ડ વિજેતા.
૨૦૧૩માં ગ્રેમી એવોર્ડ માટે નોમિનેશન.
મેગ્સેસે એવોર્ડથી સન્માન.
૧૯૫૭માં ર્બિલન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કાબુલીવાલા ફિલ્મનાં સંગીત માટે સિલ્વર બિયર એકસ્ટ્રા ઓર્ડિનરી પ્રાઇઝ ઓફ જ્યુરી.
સંગીત-નાટક અકાદમી એવોર્ડ - વર્ષ ૧૯૬૨.
૧૯૭૫માં સંગીત-નાટક અકાદમીના ફેલો મેમ્બર બન્યા.
૨૦૦૧માં બ્રિટિશ એમ્પાયરનાં ક્વીન એલિઝાબેથ બીજા દ્વારા ઓનરરી નાઇટ કમાન્ડરનો ખિતાબ એનાયત કરાયો.
૧૯૫૭માં ર્બિલન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ 'કાબુલીવાલા'નું મ્યુઝિક કમ્પોઝ કરવા માટે તેમને સિલ્વર બેર એક્સ્ટ્રાઓર્ડિનરી પ્રાઇઝ ઓફ ધ જ્યૂરી એનાયત કરવામાં આવ્યો હતો.
તેમને ૧૯૬૨માં સંગીત નાટક એકેડમી એવોર્ડ આપવામાં આવ્યો હતો.
તેમને ૧૯૭૫માં યુનેસ્કો ઇન્ટરનેશનલ મ્યુઝિક કાઉન્સિલનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, તે ઉપરાંત તેમને ત્રણ ગ્રેમી એવોર્ડ મળ્યા હતા અને એકેડમી એવોર્ડ માટે પણ તેમની પસંદગી કરવામાં આવી હતી.
રવિશંકરને ભારતીય અને અમેરિકી યુનિર્વિસટીઓ તરફથી ઓનરરી ડિગ્રીઓ પણ એનાયત કરાઈ છે.
તેમને મધ્યપ્રદેશ સરકાર તરફથી ૧૯૮૭-૮૮માં કાલિદાસ સન્માન એનાયત થયું હતું, તે પછી ૧૯૯૧માં તેમને ફુકૌકા એશિયન કલ્ચરલ પ્રાઈઝ, ૧૯૯૨માં રેમો મેગસીસી એવોર્ડ અને ૧૯૯૮માં પોલસ મ્યુઝિક પ્રાઈઝ અપાયું હતું.
સંગીતમાં આપેલી સેવાના માનમાં બ્રિટિશ ક્વીન એલિઝાબેથ-૨ દ્વારા તેમને ૨૦૦૧માં ઓનરરી નાઈટ કમાન્ડર ઓફ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયરથી સન્માનવામાં આવ્યા હતા.
તેઓ અમેરિકન એકેડમી ઓફ આટ્ર્સના સભ્ય હતા અને ૧૯૯૭માં તેમને જાપાન આર્ટ એસોસિયેશન દ્વારા પ્રીમિયમ ઇમ્પિરિયલ એનાયત થયો હતો.
૨૦૧૦માં તેમને ઓસ્ટ્રેલિયાની મેલબોર્ન યુનિર્વિસટી દ્વારા ઓનરરી ડોક્ટર ઓફ લોની પદવી આપીને સન્માનવામાં આવ્યા હતા.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment