અમદાવાદ, 2 ઓક્ટોબર
2જી ઓક્ટોબરે બે મહાન વ્યક્તિઓના જન્મ થયા હતા જેની સામે આખી દુનિયાનુ માથુ ઝુકી જાય છે. તેમણે પોતાના નવા વિચારોથી દેશ અને વિશ્વને નવી દિશા આપી હતી. જેમાં એક હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને બીજા આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી. 'જય જવાન, જય કિસાન'નો નારો આપનાર લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ દિવસ પણ ગર્વથી મનાવવામાં આવે છે.
શાસ્ત્રીજીનો જન્મ 2 ઓક્ટોબર,1904ના રોજ મુગલસરાય, ઉત્તરપ્રદેશમાં મુંશી શારદા પ્રસાદ શ્રીવાસ્તવના ઘરે થયો હતો. લાલ બહાદુર શાસ્ત્રીએ હંમેશા સાદુ જીવન વિતાવ્યુ હતુ. લાલ બહાદુર શાસ્ત્રીએ દુનિયાને શિખવ્યુ હતુ કે જો માણસ આત્મવિશ્વાસથી ભરપુર હોય તો તે દરેક મૂકામ હાંસલ કરી શકે છે.
શિક્ષણ:શાસ્ત્રીજી 18 મહિનાના હતા ત્યારે તેમના પિતાનુ નિધન થઈ ગયુ હતુ. ત્યારબાદ શાસ્ત્રીજીના મા તેમના પિયર નનિહાલ લઈ આવ્યા અને ત્યાં શાસ્ત્રીજીનુ પ્રાથમિક શિક્ષણ થયુ. તેમના જન્મ સમયે અટક શ્રીવાસ્તવ હતી પરંતુ કાશી વિદ્યાપીઠથી તેમને શાસ્ત્રીની પદવી મળતા તેમણે તેમની અટક શાસ્ત્રી કરી નાખી હતી. કારણ કે શ્રીવાસ્તવ જાતિ સૂચક શબ્દ હતો અને તેઓ જાતિવાદના વિરોધી હતા. આ ઉપરાંત શાસ્ત્રીજીએ શાસ્ત્રોના વિદ્વાનની ઉપાધી પણ કાશી વિદ્યાપીઠમાંથી મેળવી હતી. તેઓ સંસ્કૃતના સ્નાતક થયા હતા.
તેમણે તેમના જીવનમાં બે યાદગાર નારા આપ્યા. 'મરો નહી, મારો' અને 'જય જવાન, જય કિસાન'. આ બંન્ને નારાઓ તે સમયે ઘર ઘરમાં ગુંજી ઉઠ્યા હતા. અભ્યાસ પછી તેઓ ભારત સેવક સંઘમા જોડાયા હતા અને દેશ સેવા માટે સાચા ગાંધીવાદી બની ગયા હતા.
રાજકીય ઈતિહાસ :1929મા ઈલાહાબાદ આવી તેમણે પુરૂષોત્તમ દાસ ટંડનની સાથે ભારત સેવક સંઘના ઈલાહાબાદ એકમના સચિવના રૂપમાં કામ શરૂ કર્યુ. આ સમય દરમ્યાન તેમની જવાહર લાલ નહેરૂ સાથે મિત્રતા વધી અને તેઓ નહેરૂના મંત્રીમંડળમાં ગૃહમંત્રી પદ સુધી પહોંચ્યા. 1961માં તેમની ગૃહમંત્રી પદ પર નિયુક્તિ થતા તેઓ કુશળ મધ્યસ્થના રૂપમાં જાણીતા થયા. પંડિત જવાહર લાલ નહેરૂ 1964માં બીમાર પડતા તેમનુ મૃત્યુ થયુ. આથી જૂન 1964માં તેઓ ભારતના બીજા વડાપ્રધાન બન્યા. શાસ્ત્રીજીએ બે વર્ષ સુધી વડાપ્રધાન પદ સંભાળ્યુ. શાસ્ત્રીજીનો કાર્યકાળ 9 જૂન 1964 થી 11 જાન્યુઆરી 1966 સુધી રહ્યો.
તેમના સમયકાળ દરમ્યાન દેશમાં ભારે દુષ્કાળ પડ્યો. આથી તેમણે દેશવાસીઓને એક દિવસનો ઉપવાસ રાખવા અપીલ કરી હતી. શાસ્ત્રીજી જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે તેમણે જવાહર લાલ નહેરૂને કાશ્મીર જવાની ના પાડી દીધી હતી. પાછળથી જવાહર લાલ નેહરૂને ખબર પડી કે લાલ બહાદુર શાસ્ત્રી પાસે ગરમ કપડા ન હોવાથી કાશ્મીર જવાની ના પાડે છે. આથી જવાહર લાલ નહેરૂએ પોતાનો કોટ કાઢીને લાલ બહાદુર શાસ્ત્રીને આપી દીધો હતો. આ કોટ તેઓ વડાપ્રધાન બન્યા બાદ પણ તેઓ પહેરી રાખતા હતા. આ કોટ અત્યારે પણ તેમના સંગ્રહાલયમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે.
વડાપ્રધાન હોવા છતા પણ તેમને આજના નેતાઓની જેમ પૈસામાં જરા પણ રસ ન હતો. તેઓએ વડાપ્રધાન હતા ત્યારે 1965માં કાર ખરીદવા પંજાબ નેશનલ બેન્ક માથી બેન્ક લોન લીધી હતી. પણ તેઓ એટલા ઈમાનદાર હતા કે મૃત્યુ સુધી બેન્ક લોન ભરી શક્યા ન હતા. પાછળ થી તેમની પત્નીએ તેમના પેન્શનમાંથી ધીરે ધીરે લોનની રકમ ભરી હતી.
મૃત્યુ:તાશ્કંદમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન સાથે યુધ્ધ ન કરવાના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવા ગયા હતા. જ્યા તેમનુ રહસ્યમય રીતે મૃત્યુ થયુ હતુ. તાશ્કંદ સરકારનુ કહેવુ છે કે તેમનુ મૃત્યુ હાર્ટ એટેકથી થયુ છે. જ્યારે તેમનુ મૃત્યુ થયુ ત્યારે તેઓ ભારતના વડાપ્રધાન હતા.
લાલ બહાદુર શાસ્ત્રીને મરણોતર ભારત રત્ન પુરસ્કાર પણ મળેલો છે. ભારત તેમની સાદગી,ઈમાનદારી એને દેશ ભક્તિને હંમેશા યાદ કરતુ રહેશે.sandesh.com
No comments:
Post a Comment