Wednesday, 22 May 2013

અમેરિકાના ઓક્લાહામામાં વિનાશક વાવાઝોડામાં ૯૧નાં મોત ઃ ૨૩૫ ઘાયલ

કલાકના ૩૨૦ કિ.મી.ની ઝડપવાળા તોફાની પવનો સાથે વાવાઝોડાએ બે શાળાનો કચ્ચરઘાણ કાઢ્યો મૃતકો અને ઘાયલોમાં બાળકોનું મોટું પ્રમાણ (પી.ટી.આઈ.) વોશિંગ્ટન, તા. ૨૧ અમેરિકાના ઓકલાહામા અને તેની આસપાસના વિસ્તાર પર વિનાશક વાવાઝોડું ત્રાટકતાં ૨૦ બાળકો સહિત ઓછામાં ઓછા ૯૧ લોકો માર્યા ગયા છે અને ૨૩૫થી વધુને ઈજા પહોંચી છે. ઘાયલોમાં બાળકોની સંખ્યા ૭૦થી વધુ છે અને તમામની સારવાર વિવિધ હોસ્પિટલોમાં ચાલી રહી છે. અંદાજે ૧.૫ કિ.મી.નો ઘેરાવો ધરાવતા વાવાઝોડાના કારણે કલાકના ૩૨૦ કિ.મી.ના ઝડપે તોફાની પવનો ફૂંકાયા હતા. જેમાં બે શાળા અડફેટે ચડી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વાવાઝોડાના કારણે ઓકલાહામા અને આસપાસનો વિસ્તાર યુદ્ધ છાવણીમાં ફેરવાઈ ગયો છે. ગઈકાલે વાવાઝોડાએ સર્જેલા વિનાશમાં ઓછામાં ઓછા ૯૧ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૨૩૫થી વધુની સારવાર ચાલી રહી છે. સૌથી વધુ અસર મૂરે વિસ્તારમાં જોવા મળી છે. વાવાઝોડાની ભયાનકતા જોતાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વિષમ હવામાનની વિપરિત અસર આ કામગીરી પર પણ જોવા મળી રહી છ ે. ઓકલાહામાના ગવર્નર મેરી ફેમિને જણાવ્યું હતું કે વાવાઝોડાની અડફેટે આવેલી બે પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતાનો કોઈ પાર નથી. મૃતકોમાં આ શાળાઓના બાળકોનો પણ સમાવેશ થાય છે. અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ ઓકલાહામામાં કટોકટી જાહેર કરી છે અને ત્યાં રાહત કામગીરી માટે ખાસ ટુકડીઓ રવાના કરાઈ છે. વાવાઝોડાનો ભોગ બનેલાઓ કામચલાઉ રહેણાંક અને ઘરના સમારકામ માટે ફેડરલ મદદ મેળવી શકશે. વાવાઝોડાંની આખી સિસ્ટમ રચાઈ હતી અને આ વિનાશક ચક્રવાત નો જ એક ભાગ હતો. આવા બીજા નાના-નાના વાવાઝોડાંઓએ પણ છેલ્લા ૩૬ કલાક દરમિયાન અમેરિકાના મધ્યભાગમાં ભારે તારાજી સર્જી છે અને અનેક મકાનો તેમજ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. વાવાઝોડું જમીન પર ૪૦ મિનિટ રહ્યું તે દરમિયાન તેણે ૩૨ કિ.મી.ના વિસ્તારને ધમરોળી નાખ્યો હતો. પ્લાઝા ટાવર્સ શાળાના કાટમાળમાંથી અનેક બાળકોને જીવતા બહાર કઢાયા છે પણ બીજી શાળાની સ્થિતિ અંગે હજુ ચોક્કસ વિગતો મળી શકી નથી. નુકસાનનો તાગ મેળવવા ઘરે-ઘરે જઈને તપાસ કરી રહ્યા છે. જોકે સરકારે માત્ર ૨૪ વ્યક્તિના જ મોત થયા હોવાનોદાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ૧૩ વર્ષ દરમિયાન ઓકલાહામા પર વિનાશક વાવાઝોડું ત્રાટક્યાની આ બીજી ઘટના છે. અગાઉ ત્રીજી મે, ૧૯૯૯ના રોજ કાન્સાસ અને ઓકલાહામા પર નાના-મોટા ૭૪ ચક્રાવાતે કાળો કેર વર્તાવ્યો હતો. જેમાં ઓકલાહામામાં ૩૬ લોકો માર્યા ગયા હતા. આ તોફાન ફુજિતા ટોર્નેડો સ્કેલ પર સૌથી વધુ ઈએફ-પાંચ મથાળું હતું. ૧૯૯૯નું આ વાવાઝોડું અમેરિકી ઈતિહાસનું સૌથી ખર્ચાળ ગણાય છે કારણ કે તેમાં ૧ અબજ ડોલરથી વધુનું નુકસાન થયું હતું.............gujaratsamachar

No comments:

Post a Comment